આણંદ

અરજીનો જવાબ આપવા સરપંચનો શક્તિપ્રદર્શન!

નિસરાયા ગામના સેંકડો ગ્રામજનો સાથે બોરસદ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા સરપંચ

બોરસદ, પ્રતિનિધિ:
નિસરાયા ગામના સરપંચ સામે કરવામાં આવેલી અરજીના અનુસંધાનમાં પોતાનો જવાબ રજૂ કરવા આજે સરપંચશ્રી મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમર્થકો સાથે બોરસદ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. સરપંચના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી.

સરપંચશ્રીએ અરજીમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોને તથ્યવિહિન અને પાયાવિહોણા ગણાવી સંબંધિત અધિકારીઓ સમક્ષ જરૂરી દસ્તાવેજો સાથે પોતાનો લેખિત જવાબ રજૂ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા તમામ વિકાસ કાર્યો નિયમો અને પારદર્શિતા સાથે કરવામાં આવ્યા છે અને અરજીમાં કરવામાં આવેલા આક્ષેપોમાં કોઈ સત્ય નથી.

બીજી તરફ સરપંચના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીએ સમગ્ર ઘટનાને ચર્ચાનો વિષય બનાવી દીધી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે થોડા સમય માટે લોકોની ભારે અવરજવર જોવા મળી હતી. જોકે સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.

હવે તાલુકા પંચાયત દ્વારા રજૂ કરાયેલા જવાબ, દસ્તાવેજો અને અરજીમાં દર્શાવાયેલા મુદ્દાઓની તપાસ કર્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિસરાયા ગામમાં આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!